“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 22 એપ્રિલ, 2011

હળવા પ્રસંગો...

[1]
એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા. એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : ‘મહારાજ ! આ લોટો લો અને આરામથી જલ પીઓ.’
કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : ‘તને અક્કલ છે કે નહિ ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?’
કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : ‘જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !’
                  આવી બીજી બોધ કથાઓ વાંચવા માંગતા હોય તો ....
[2]
એકવાર કોઈ અટકચાળી વ્યક્તિએ અહિંસા ઉપર કટાક્ષ કરતો એક પત્ર મહાત્મા ગાંધીને લખ્યો : ‘આપણે ધરતી પર ચાલીએ છીએ ત્યારે અસંખ્ય કીડીઓ ને બીજા જીવ-જંતુઓ આપણા પગ તળે ચગદાઈ જાય છે. એ હિંસા કઈ રીતે અટકાવી શકાય ?’
ગાંધીજીએ પત્ર સરદાર પટેલને આપ્યો. તેમણે ખડખડાટ હસતાં કહ્યું : ‘બાપુ ! એને લખો કે પોતાના પગ માથા પર રાખીને ચાલે !’
[3]
આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સા ઘણું ઓછું ભણેલી હતી. એના માટે તેમના સિદ્ધાંતો માત્ર ગૂઢ રહસ્યો જ હતા. આથી એકવાર એણે કહ્યું : ‘તમારા બધા સંશોધનોનો મને થોડો પરિચય આપો. લોકો એ અંગે ચર્ચાઓ કરે છે ત્યારે મને એ કહેતાં શરમ લાગે છે કે એ અંગે હું કંઈ જાણતી નથી.’
એકક્ષણ માટે આઈન્સ્ટાઈનનું માથું ચકરાવા લાગ્યું, ‘એને કઈ રીતે સમજાવું ! વળી ના પાડવામાં પણ જોખમ છે !’ પણ બીજી ક્ષણે તેમને એક યુક્તિ સૂઝી અને સ્મિત કરતાં તેમણે કહ્યું : ‘જ્યારે લોકો તને પ્રશ્નો પૂછે તો એમ કહેવું કે તું એ વિશે બધું જાણે છે, પણ આ અંગે કશું કહી શકે નહિ, કેમ કે એ એક મહાન રહસ્ય છે !’
[4]
મૂશળધાર વરસાદ અને અંધારી રાત હતી. સંત એકનાથના દરવાજે ટકોરા પડ્યા. તેમણે ઊભા થઈને જોયું તો ચાર અતિથિઓ પધાર્યા છે. એકનાથે પ્રેમપૂર્વક તેમને આવકાર્યા અને ભીનાં વસ્ત્રો કોરાં કરવાની વ્યવસ્થા કરી આપી. સાથોસાથ પત્નીને કહ્યું : ‘અતિથિઓ માટે જલદી રસોઈ બનાવી નાખ.’
પત્નીએ દબાયેલા સ્વરમાં જણાવ્યું : ‘ઘરમાં બળતણ નથી અને કાલે આવેલો લાકડાનો ભારો આ વરસાદમાં પલળી ગયો છે.’
‘તું એની ચિંતા ન કર અને રસોડામાં જઈને તૈયારી કરવા લાગ, હું હમણાં લાકડાં લાવી આપું છું.’ એકનાથે કહ્યું. અને ખરેખર થોડીવારમાં જ, પત્નીના આશ્ચર્ય વચ્ચે તેમણે સૂકાં લાકડાંનો ભારો એની સામે રાખી દીધો, અને હસતાં-હસતાં અતિથિઓ સાથે જઈને બેઠા.
વરસાદ બંધ પડ્યો અને ભોજન કર્યા પછી અતિથિઓએ વિદાય લીધી ત્યારે એકનાથ ભોંયે ચાદર પાથરીને આડા પડ્યા. રસોડાનું કામ પતાવીને આવેલી પત્નીએ તેમને ભોંયે સૂતા જોઈ નવાઈ પામીને પૂછ્યું : ‘ખાટલો ક્યાં ગયો ?’
‘તેં રસોઈ બનાવી એ બળતણ ભલા ક્યાંથી આવ્યું ?’ એકનાથે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.
[5]
વિનોબા ભાવેને દક્ષિણ ભારતના એક કાર્યકરે પૂછ્યું : ‘વિજ્ઞાનમાં જેવી રીતે વસ્તુનિષ્ઠ કસોટીઓ હોય છે, તેવી રીતે આત્મજ્ઞાનમાં પણ કસોટીઓ ખરી ?’
વિનોબાએ હસતાં હસતાં કહ્યું : ‘કોઈના ગાલ પર તમાચો મારો ને તરત જ પારખી લો. જો એને ક્રોધ આવે તો સમજી લેવાનું કે આત્મજ્ઞાની નથી ! બસ આ છે આત્મજ્ઞાનની કસોટી !’
[6]
નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ નીવડેલા એક ભક્તે રમણ મહર્ષિ સામે પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું : ‘એવા જીવન કરતાં તો મૃત્યુ બહેતર છે !’ એ વખતે મહર્ષિ ખાખરાનાં પાંદડાંની પતરાવળીઓ બનાવી રહ્યા હતા. તેમણે પોતાનું કામ ચાલુ રાખતાં કહ્યું : ‘આ તૈયાર થયેલી પતરાવળીઓ ઉકરડે ફેંકી આવો. પછી આપણે શાંતિપૂર્વક એ અંગે વિચાર કરીએ.’
‘આપ શું કહો છો પ્રભુ !’ એણે નવાઈ પામતાં પૂછ્યું, ‘આટલા શ્રમથી તૈયાર કરેલી પતરાવળીઓ વાપર્યા વગર ઉકરડે ફેંકી દેવાનો શું અર્થ ?’
મહર્ષિએ હસીને જવાબ આપ્યો : ‘વત્સ ! આવી જ રીતે આ અણમોલ માનવ અવતારનો યોગ્ય ઉપયોગ કર્યા વગર એનો અંત લાવી દેવાનો વિચાર પણ એક મૂર્ખતા છે !’
[7]
ઈંગલેન્ડના વડાપ્રધાન ગ્લેડસ્ટન રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરી રહ્યા હતા એ જોઈને એક મિત્રે કહ્યું : ‘તમારો પુત્ર હંમેશાં ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરે છે ને તમે આ દેશના વડાપ્રધાન હોવા છતાં થર્ડ કલાસમાં ?’
ગ્લેડસ્ટને તેમના ખભે હાથ રાખીને જવાબ આપ્યો : ‘હું એક ખેડૂતનો પુત્ર છું, જ્યારે એ એક વડાપ્રધાનનો !’
[8]
એકવાર લિંકન પાસે ફરિયાદ લઈને ગયેલો ઓફિસર ઉશ્કેરાટમાં વચ્ચે-વચ્ચે અપશબ્દ બોલતો હતો. લિંકને એને અટકાવતાં કહ્યું : ‘ભલા માણસ, મારી સામે આટલો બફાટ કાઢવા કરતાં એ માણસને ધધડાવતો એક જોરદાર પત્ર લખી નાંખતો હોય તો ? લે આ કાગળ અને અત્યારે જ અહીં બેસીને લખી નાંખ !’
ગુસ્સે ભરાયેલ એ ઑફિસરે એવું જ કર્યું. એણે પોતાનો બધો ગુસ્સો પત્રમાં ઠાલવી દીધો. એ પછી હળવાશ અનુભવતાં એણે લિંકનને એ પત્ર વાંચવા આપ્યો.
‘વાહ તેં તો જોરદાર પત્ર લખ્યો છે !’ લિંકને મલકાતાં કહ્યું, ‘આવું તો મને પણ લખતાં ન આવડે !’
ઑફિસરે પ્રસન્ન થતાં પૂછ્યું : ‘હવે શું ?’
લિંકને પણ એ જ શૈલીમાં જવાબ આપ્યો : ‘હવે શું – હવે કાંઈ નહિ !’ અને માર્મિક ઢબે હસવા લાગ્યા. એ ઑફિસર તો ડઘાઈ ગયો અને લિંકનને બાઘાની જેમ જોઈ રહ્યો. ત્યારે લિંકને આદેશ આપ્યો : ‘જાઓ, આ પત્ર પેલી સગડીમાં નાખી દો. મને પણ જ્યારે ગુસ્સો ચઢે છે ત્યારે હું આવું જ કરું છું. આમ કરવાથી મનનું ઝેર બહાર નીકળી જાય છે ને આપણને શાંતિ મળે છે !’
[9]
બાળગંગાધર ટિળકને કોઈએ પૂછ્યું : ‘શાસ્ત્રીજી ! આપણાં શાસ્ત્રોમાં સારો વર મેળવવા માટે કન્યાઓને ગૌરીવ્રત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવી રીતે પુરુષો માટે સારી પત્ની મેળવવા માટે શા માટે કોઈ વ્રતની ભલામણ કરવામાં આવી નથી ?’
‘એટલા માટે કે બધી સ્ત્રીઓ જન્મજાત સારી હોય છે !’ ટિળકે જવાબ આપ્યો અને ખડખડાટ હસી પડ્યા.
[10]
જનરલ કરીઅપ્પ્પાના ભાઈ કુમારપ્પા પહેલીવાર ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમે પહોંચ્યા. ત્યાં માથે ફાળિયું બાંધેલો એક ડોસો સાફસૂફીનું કામ કરી રહ્યો હતો. કુમારપ્પાએ તેમને પૂછ્યું : ‘ગાંધીજીને જણાવો કે જનરલ કરીઅપ્પાના ભાઈ તેમને મળવા આવ્યા છે.’
એ ડોસાએ તેમને સામે પ્રશ્ન કર્યો : ‘ગાંધીજીએ તમને કેટલા વાગ્યાનો સમય આપ્યો છે ?’
કુમારપ્પાએ એ પૂછપરછ પ્રત્યે અણગમો પ્રગટ કરતાં કહ્યું : ‘એનું તારે શું કામ છે ? તું તારે જઈને ખબર આપ. જો કે એમણે ચાર વાગ્યે મળવાનો સમય આપ્યો છે.’
‘પણ હજી તો સાડાત્રણ જ વાગ્યા છે !’ ડોસાએ તેમને જણાવ્યું.
કુમારપ્પા ચિડાઈ ગયા : ‘ડહાપણ કર્યા વગર હું કહું છું એમ કર !’
આથી એ ડોસો અંદરના ખંડમાં ચાલ્યો ગયો અને થોડીવારે પાછો આવીને બોલ્યો : ‘સાહેબ ! આપ બેસો. ગાંધીજી આપને ઠીક ચાર વાગ્યે મળશે.’ કુમારપ્પા બેઠકખંડની ગાદી પર બેસી ગયા. બરાબર ચાર વાગ્યે એ ડોસાએ પોતાના માથેથી ફાળિયું કાઢી નાંખ્યું અને કુમારપ્પાને પૂછયું : ‘બોલો સાહેબ ! શું કામ છે ? મને જ લોકો ગાંધીજી કહે છે !’
[11]
ગુરુ નાનકદેવ એકવાર હરદ્વાર ગયા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો પૂર્વ દિશા તરફ મોં કરીને પોતાના પૂર્વજોને અંજલિ આપી રહ્યા છે. તેમની એ મૂર્ખતાને ચૂંટિયો ભરવા માટે પોતે આથમણી દિશામાં મોં કરીને ખોબે ખોબે પાણી ઉલેચવા લાગ્યા. એ જોઈ એક પંડાએ કહ્યું : ‘અલ્યા ! આ શું કરી રહ્યો છે ?’
‘મહારાજ ! મારું ગામ આ દિશામાં છે. ત્યાં આવેલ મારા ખેતરને હું પાણી સિંચી રહ્યો છું.’
‘તારું માથું તો ખસી નથી ગયું ?’ પંડાએ તેમના ઉપર ઉપહાસ કરતાં કહ્યું, ‘આ રીતે તારા ગામના ખેતર સુધી કંઈ પાણી પહોંચી શકે ?’
ગુરુનાનકે હસીને જવાબ આપ્યો : ‘મહારાજ ! તમે લોકોના મરી ગયેલા બાપદાદાઓ માટે સ્વર્ગ સુધી પાણી પહોંચાડી શકો છો, તો હું અહીં ઢૂંકડે આવેલ મારા ગામ સુધી પાણી કેમ ન પહોંચાડી શકું ?’ ત્યાં ઉપસ્થિત યાત્રીઓ ગુરુ નાનકનો આ કટાક્ષ સાંભળીને હસી પડ્યા. પંડાએ ચિડાઈને કહ્યું : ‘ભણેલા લોકોની મૂર્ખતા આવી જ હોય છે !’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks