સ્થળ:- IPCL મંદિર, EME મંદિર, જલારામ મંદિર(ભોજન), કમાટીબાગ (પ્રાણીસંગ્રહાલય, ટોયટ્રેન, પ્લેનેટોરિયમ), વિમાનમથક, આજવા-નિમેટા (ડાન્સિંગ ફુવારા).
પ્રવાસ ઉપાડવાની તારીખ :- તા- ૨૮/૧૨/૨૦૧૩ ને શનિવાર
સમય :- સવારના ૬:૦૦ કલાકે
પ્રવાસ પરત આવવાનો સમય :- તા- ૨૮/૧૨/૨૦૧૩ રાત્રે ૯:૦૦ કલાકે
કુલ પ્રવાસ ખર્ચ:- ૧૧૦/-
પ્રવાસમાં ભાગ લીધેલ બાળકો :- ૭૪(કુમાર) + ૯૫(કન્યા) = ૧૬૯ (કુલ)
પ્રવાસમાં સામેલ શિક્ષકગણ :- ૪(શિક્ષક) + ૩ શિક્ષિકા = ૭ (કુલ)
પ્રવાસમાં સાથે આવેલ વાલી :- ૨ (પુરૂષ) + ૨ (કન્યા) = ૪ (કુલ) {SMC સભ્ય સાથે}
પ્રવાસના આયોજનની પૂર્વ તૈયારીરૂપે તમામ સ્થળોની પૂર્વમંજૂરી લેવામાં આવી હતી જેથી અમારા આયોજનમાં કોઈ મુશ્કેલી કે અડચણ ના થાય.
તા- ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ને શનિવારના રોજ આ શાળામાંથી દર વર્ષની જેમ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. આયોજન મુજબ સવારના ૬:૦૦ કલાકે સૌ વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહથી શાળામાં આવી ગયા હતા. સંજોગો અનુસાર બસને થોડું મોડું થતા તે ૮:૦૦ વાગ્યે શાળામાં આવી હતી. સૌ વિદ્યાર્થીઓ સુચના મુજબ બસમાં ગોઠવાઈ ગયા. કુમાર અને કન્યા માટે અલગ બસમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસની શરૂઆત બંને બસોમાં પ્રાર્થનાથી કરવામાં આવી, જેના શબ્દો હતા “इतनी शक्ति....” ત્યારબાદ ભજન અને ધૂન પણ ગવડાવવામાં આવી. આમ ઈશ્વરને યાદ કરી અમે અમારા પ્રવાસને આગળ ધપાવ્યો. વિદ્યાર્થીઓ મસ્તીભર્યા વાતાવરણમાં સંગીતની રમઝટ સાથે મસ્ત થઇ ગયા હતા. બાળકો એક એક પળને ખુબજ આનંદ અને ઉલ્લાસથી માણતા હતા. બસમાં બાળકો શું અને શિક્ષકો શું તે ખ્યાલ જ આવતો ન હતો. શિક્ષકો પણ બાળકો સાથે બાળકમય બનીને સંગીતની રમઝટ માણતા હતા.
આનંદમય વાતાવરણ ને માણતા માણતા સૌપ્રથમ વડોદરામાં આવેલ IPCL મંદિરે (રીફાઈનરી રોડ) આવી પહોચ્યા. ત્યાં અમે કલાત્મક મૂર્તિઓની છણાવટનું પ્રદર્શન નિહાળ્યું. ત્યારબાદ તેમાં આવેલ દેવ - દેવીઓના દર્શન કર્યા. મંદિરને નિહાળતા તેની કામગીરી ખુબ જ અદભુત હતી. તે જોઈને આશ્ચર્ય થતું હતું. મંદિરના પટાંગણની લોકપ્રિયતાને અનુભવતા સૌ બસમાં ગોઠવાયા.
રીફાઈનરી રોડ ઉપર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતી રીનાબેનની વિનંતી અને લાગણીને માન આપી અમે સૌ બાળકોને લઈને તેમના ઘરે ગયા હતા. જ્યાં તેમના પરિવારના સૌ અમારા આગમનની રાહ જોતા ઉભા જ હતા. સૌ બાળકોને બેસવાની વ્યવસ્થા કરી. બાળકો માટે સ્વાદિષ્ટ અને ગરમાગરમ નાસ્તાની વ્યવસ્થા કરી હતી. જેનો સૌ બાળકોની સાથે તમામ શિક્ષકો અને વાલીઓએ આનંદ માન્યો. તેમના પરિવારજનોને વિદાય આપી તથા તેમના ઉષ્માભર્યા આતિથ્યભાવને વાગોળતા અમે અમારા પ્રવાસને આગળ ધપાવ્યો.
ફતેગંજની બાજુમાં આવેલ EME મંદિરમાં દર્શન કરવા ગયા. જ્યાં ભગવાન શંકરનું ખુબ જ સુંદર મંદિર હતું. તેની બાજુમાં મિની અમરનાથ ઉભું કરવામાં આવ્યું હતું જે સૌએ નિહાળ્યું. થોડો સમય ત્યાં વિશ્રામ કરી ત્યાના સુંદર બાગ બગીચાને નિહાળતા અમે કેમ્પસમાં ફર્યા. EME કેમ્પસમાં અમને આપણા દેશના સૈનિકોની શિસ્ત અને દેશભક્તિના દર્શન કરવા મળ્યા.
EME મંદિર દર્શન કરી અમારે વિમાનમથક પહોચવાનું હતું પરંતુ બસ મોડી પહોંચવાને કારણે અમારે અમારું આયોજન બદલવું પડ્યું અને અમે પહેલા કારેલીબાગમાં આવેલ જલારામ મંદિર ખાતે ગયા. જ્યાં સૌ બાળકો માટે મફત જમવાની વ્યવસ્થા કરેલ હતી. સૌએ ત્યાં બાપાનો પ્રસાદ માણ્યો. યથાશક્તિ ભેટ મૂકી અમે જલારામ બાપાના દર્શન કર્યા.
અહીંથી અમારે નજીકમાં આવેલ કમાટીબાગ જવાનું હતું. જ્યાં સૌપ્રથમ અમે પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી. દેશ – વિદેશના સુંદર પ્રાણી-પક્ષીઓને નિહાળતા અમે આગળ જતા હતા. પ્રાણીસંગ્રહાલયમાં આવેલ કેટલાય પ્રાણી – પક્ષીઓને જીવદયા પ્રેમી લોકોએ દત્તક લીધા હતા. જે જાણી સૌ બાળકો ખુશ થઇ ગયા.
અહીંથી અમે ટોયટ્રેનમાં બેસવા માટે કમાટીબાગમાંના રેલ્વેસ્ટેશનમાં ગયા. જ્યાં ટીકીટનો ભાવ ખુબ જ વધારે હતો પણ ગામડાના બાળકોને ટોયટ્રેનનો લાભ આપવા માટે ત્યાના મેનેજરે ખુબ જ મોટું વળતર બાદ કરી આપ્યું. અહી સુંદર મજાની ટ્રેન અને સુંદર મજાનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. પ્લેટફોર્મમાં અમારે અડધો કલાક રાહ જોવાની હતી. અહી યાત્રીઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી. અમારી સામે ખુબ જ મોટી LCD ટેલીવિજન પર વડોદરાના જોવા લાયક સ્થળોની વીડીઓ બતાવતા હતા અને તે સ્થળ વિશેની સંપૂર્ણ માહિતી આપતા હતા. અમને આખા વડોદરાના દર્શન ત્યાં બેઠા બેઠા જ થઇ ગયા. લગભગ અડધા કલાકના વિશ્રામ બાદ અમારી ટ્રેન પ્લેટફોર્મ પર આવી પહોંચી. અમે ટોયટ્રેનમાં બેસી આખા કમાટીબાગનો આંટો માર્યો. રસ્તામાં ઉભા લોકોને BY BY કરવામાં બાળકોને ખુબ મઝા આવતી હતી. અડધા કલાકના અમારા આંનદમય સફર બાદ અમે પ્લેટફોર્મ પર પરત આવી પહોચ્યા.
અહીંથી અમે પ્લેનેટોરિયમમાં અમારા ભ્રહ્માંડના રહસ્યોને જાણવા તથા માણવા પહોચ્યા. સૌ પોતાની બેસવાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરી રાહ જોવા લાગ્યા.
થોડો સમય બાદ આખા હોલમાં અંધારું થઇ ગયું. અહી અમને એક પછી એક ગ્રહો અને તારાઓ વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી. તારાઓ ધ્વારા રચતા વિવિધ નક્ષત્રો, ગ્રહો અને રાશીઓ વિષે અમે સંપૂર્ણ માહિતગાર થયા. અમારું રાત્રીનું આકાશ તથા વિવિધ તારાસમુહો વિષે અને સુર્ય વિષે પણ અવનવું જાણવા મળ્યું. અહીંથી અમે બાગમાં આવેલ સંગ્રહાલયની મુલાકાત લીધી. જ્યાં રાજા – મહારાજાના સમયના અદભૂત વારસાને માણવા મળ્યો.
કમાટીબાગથી નીકળી અમે આજવા જવા નીકળ્યા. રસ્તામાં વિમાનમથકમાં જઈ અમે વિમાનમથકની મુલાકાત લેવાની મંજૂરી માગી. અગાઉ અમે અમારા આયોજન મુજબ સવારના ૯:૦૦ થી ૧૦:૦૦ કલાકની મંજૂરી લીધી હતી પરંતુ બસ મોડી પડવાથી અમે તે સમયમાં ત્યાં જઈ શક્યા નહિ. વિમાનમથકના વડાએ અમારી વિનંતીને માન્ય રાખી તથા અમારી મુશ્કેલી સમજીને અમને મુલાકાત લેવાની મંજૂરી આપી. અમારા સૌના સારા નસીબથી થોડી વારમાં જ એક વિમાન ઉડવાનું હતું. અમને વિમાનમથકમાં બનાવેલ વિઝીટર ગેલેરીમાં લઇ જવામાં આવ્યા. જ્યાં અમે વિમાનને ઉડતા નિહાળ્યું. અહી અમે વિમાનમથકના વિવિધ જગ્યાઓ નિહાળી.
વિમાનમથકથી નીકળી અમે આજવા-નિમેટા જવા નીકળ્યા. અહી આજવા સરોવરની બાજુમાં સુંદર મજાનો બાગ આવેલ હતો. જેમાં રંગબેરંગી ફુવારા નિહાળ્યા. વિવિધ આકારો અને રંગોને કારણે સુંદર દ્રશ્ય ઉભું થતું હતું. અહી રાત્રે ૭ કલાકે ડાન્સિંગ ફુવારા બતાવવામાં આવતા હતા. જેમાં સંગીતના તાલે ફુવારા મસ્ત બની નાચતા હોય તેમ લાગતું હતું. અંધારું થઇ ગયું હતું તેથી અમે સમય ન બગડતા ત્યાંથી પરત આવવા રવાના થયા.
રાત્રીમાં વડોદરા શહેરની રોશની અને ઝાહોજહાલી નિહાળી. વડોદરા શહેરથી બહાર નીકળતા જ સૌ બાળકો થાક ભૂલીને ફરીથી સંગીતના તાલે ઝૂમવા લાગ્યા. અમે પરત અમારા ગામમાં ૯:૦૦ કલાકે આવી પહોચ્યા. સૌ વાલીગણ અમારી રાહ જોતા હતા.
કોઈપણ જાતની મુશ્કેલી કે અડચણ વગર અમારો પ્રવાસ સુંદર અને સરસ રીતે પાર પાડ્યા બદલ અમે સૌએ ભગવાનનો ખુબ આભાર માણ્યો. બાળકો ખુબ જ આનંદની લાગણી અનુભવતા હતા. સૌના મુખે એક જ વાત હતી કે હજુ પ્રવાસ બે કે ત્રણ દિવસનો હોય તો કેવી મઝા આવી જાત! સૌ વાલીઓને વ્યક્તિગત બાળકો સોંપી દીધા.
આમ અમારો આ વર્ષનો પ્રવાસ પણ સુંદર રીતે પૂર્ણ થયો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks