“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 25 ફેબ્રુઆરી, 2011

હે જગત, મારા પુત્રને - - અબ્રાહમ લિંકન

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે;

આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે.

અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો.

પણ….હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુધ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે.

આ જગતમાં વસવા માટે શ્રધ્ધા, પ્રેમ અને હિંમત જોઇએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે.

એણે બધું શીખવું તો પડશે. હું જાણે છું કે દુનિયામાં બઘા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જ્નો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે.

એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે.

પુસ્તકોની અદભૂત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોઘવા એને થોડોક નિરાંતનો સમય આપજે.

એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વઘારે પ્રતિષ્ઠા છે.

ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે. સૌનું ભલે એ સાંભળે, પણ જે સાંભળ્યું હોય તે સ્વીકારતાં એને આવડવું જોઈએ.

બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાંને અનુસરવાને બદલે એ એકલો પોતાને માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે.

દુખ હોય ત્યારે એને હસવાનું શીખવજે, પણ રડવામાં શરમાવાપણું નથી તે પણ એને કહેજે. મીઠાશથી સાંભળવાનું ને કડવાશથી ન અકળાવાનું એને શીખવજે. આત્મા અને હદયનાં દ્વાર એ બંઘ ન કરે તે જોજે. ટોળાંની બૂમોથી એ નમી ન પડે અને જે સાચું છે તેને માટે જીવસટોસટની લડાઈ આપતાં એ અચકાય નહીં એમ એને શીખવજે.

હે જગત, આ બઘું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુઘ્ઘ બને છે.

મારી લાગણી કદાચ તને વઘુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તો પણ, હે જગત, તારાથી જે કાંઈ બની શકે એ બઘું કરજે, કારણકે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે.

- અબ્રાહમ લિંકન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks