“એક બાળકની વેદના – એક શિક્ષક (સાંઈરામ દવે)ની કલમે”
પ્રતિ,
શ્રી ભગવાન ઈશ્વરભાઈ પરમાત્મા,
(શંખચક્રવાળા),
સ્વર્ગ લોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મુ- આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દુર આવેલી એક સરકારી શાળાના સાતમાં ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે, અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા જાય છે. ‘હું શું કામ ભણું છું’ એની મારા મા-બાપને ખબર નથી. કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા મા-બાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન બે- ચાર સવાલો પૂછવા માટે મે તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કીધું’તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે.
પ્રશ્ન ૧ - હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણ નુ મંદિર છે, અને એ.સી. છે અને મારી એ નિશાળમાં છાપરું’ય કેમ નથી...???
પ્રશ્ન ૨ - તને રોજ ૩૨ ભાતના ભોજન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી અને હું દરરોજ મધ્યાહન ભોજનના મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું...આવું કેમ...???
પ્રશ્ન ૩- મારી નાની બહેનના ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડું’ય મારતું નથી અને તારા પચરંગી નવા વાઘા..!! સાચું કહું ભગવાન હું રોજ તને નહિં તારા કપડાં જોવા આવું છું.
પ્રશ્ન ૪ - તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને ૧૫મી ઓગસ્ટે જયારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજૂ કરું છું ત્યારે સામે હોય છે માત્ર મારા શિક્ષકો..... ને બાળકો ..... હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી?....!!!
પ્રશ્ન ૫ - તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવ-સ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ મે સાંભળ્યું છે કે તુ તો અમારી બનાવેલી મૂર્તિ છે, તો’ય આવી ઝળહળાટ છે અને અમે તારી બનાવેલી મૂર્તિ છીએ, તોય અમારા ચહેરા પર નુંર કેમ નથી ....?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે. મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે. ભગવાન મારે ખુબજ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા મા–બાપ પાસે ફીના કે ટ્યુશનના પૈસા નથી.... તું જો તારી એક દિવસની દાનપેટી મને મોકલે તો હું આખી જીદંગી ભણી શકું..... વિચારીને કે’જે .... હુંય જાણું છું તારેય ઘણાને પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણ ની વાર્ષિક પરિક્ષા પહેલા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટેલે રૂ .૫ ના ભવ્ય પગાર થી નોકરી રાખી દેશે .... ને પછી આખી જીદગી હું તારા શ્રીમંત ભક્તો ને ચા પાઈશ ..... પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ ...
લિ.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ મજુરના વંદે માતરમ્.