“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013

શિક્ષકદિનની ઉજવણી

                         આજરોજ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં ૨૦ બાળકો બાળશિક્ષકો બન્યા હતા. અગાઉ ૪/૯/૨૦૧૩ના રોજ તે બાળકોને શિક્ષકદિને કરવાની કામગીરીનું આયોજન આપી દેવામાં આવ્યું હતું. શાળામાં બે પાળી ચાલતી હતી તેથી બંને પાળી માટે અલગ અલગ આચાર્ય બનાવેલ હતા.


ચાલો બાળઆચાર્યના શબ્દોમાં તેમનો અનુભવ જાણીએ.


         સવારપાળી:- 
          તા-૫/૯/૨૦૧૩ના રોજ ટીવી પર કાર્યક્રમ નિહાળવાનો હોવાથી અમે ૬/૯/૨૦૧૩ના રોજ શિક્ષકદિન ઉજવવાનું નક્કી કર્યું હતું. અમે સૌ તૈયાર થઇ સવારે ૬:૪૫ કલાકે શાળામાં હાજર થઇ ગયા. બધા બાળશિક્ષકો ખુબ જ ઉત્સાહમાં દેખાતા હતા. મારામાં પણ એક અનેરો ઉત્સાહ હતો. દરેક બાળશિક્ષકે શિક્ષક હાજરીપત્રકમાં સહી કરી. બધા બાળશિક્ષકો આવી ગયા બાદ મે બાળશિક્ષકોની એક મીટીંગ રાખી જેમાં મે બાળકોને તેમને કરવાની કામગીરીની યાદ કરાવી થોડી મૌખિક સૂચનો આપ્યા. દરેક બાળક પોતાના વિષયને લગતી તૈયારીના ભાગરૂપે વિવિધ સામગ્રી લઈને જ આવ્યા હતા. તે જોઈ અમને શિક્ષકે અભીનંદન આપ્યા. અમારા શિક્ષક શ્રી નિલેશભાઈએ અમને જરૂરી સુચનો આપી બધાને હાર્દિક સુભેચ્છા પાઠવી. પ્રાર્થનાનો બેલ પડતા અમે પ્રાર્થના સભામાં ભેગા થયા. પ્રાર્થના પૂર્ણ થયા બાદ આચાર્ય તરીકે મે બાળકોનું સંબોધન કર્યું તથા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિષે જીગ્નેશભાઈએ બાળકોને જણાવ્યું. પ્રાર્થના પૂર્ણ થયા બાદ સૌ બાળશિક્ષકો પોતપોતાના વર્ગમાં ગયા. વર્ગમાં બાળશિક્ષકોએ પોતાને સોંપેલ કામગીરી કરવામાં વ્યસ્ત થઇ ગયા. થોડા થોડા સમયાંતરે હું વર્ગની મુલાકાત લેતો હતો. સૌ બાળશિક્ષકોને વર્ગના બાળકો સાથ સહકાર આપતા હતા. શિક્ષકો પાછળ બેસી તેમનું મૂલ્યાંકન કરતા હતા. બાળશિક્ષકો ખુબજ તૈયારીમાં આવ્યા હતા તેવું લાગ્યું. રીશેષ સમય દરમ્યાન મે એક સ્ટાફ મીટીંગ બોલાવી તથા અમારા માટે હળવો નાસ્તો રાખવામાં આવ્યો હતો તે અમે માણ્યો. સૌ ખુબ જ આનંદમાં હતા. બધાને ખુબ મજા આવતી હતી. રીશેષ પૂર્ણ થયે સૌ વર્ગમાં ગયા અને ૧૦:૩૦ કલાક સુધી શિક્ષણ કાર્ય કર્યું. ત્યારબાદ બધા બાળશિક્ષકોએ બાળકોને વિવિધ રમતો રમાડી. કોઈ વર્ગમાં રમત રમાડતું હતું તો કોઈ મેદાનમાં લઇ જઇ બાળકોને રમત રમાડતા હતા. અને ૧૧:૦૦ કલાકે અમે પ્રાર્થનાસભામાં ભેગા થયા. જેમાં અમે આખા દિવસ દરમ્યાનનો અનુભવ કહ્યો. મે પણ આખા દિવસ દરમ્યાન થયેલ અનુભવ શેર કર્યો. અમારા શિક્ષિકા બહેન શ્રીમતી રીનાબહેને અમને તથા સૌ બાળકોને અભિનંદન આપ્યા તથા અમારા કામના વખાણ કર્યા જે અમારા માટે કોઈ મોટા એવોર્ડથી ઓછું ન હતું. અમે મનમાં ભવિષ્યમાં પણ શિક્ષક બનવાના સંકલ્પ કર્યો. વિદ્યાર્થીઓએ પણ તેમને આજે કેવું લાગ્યું તે વિષે બે શબ્દો કહ્યા. આજના કાર્યક્રમમાં લીધેલ ભાગ માટે આચાર્યશ્રી તરફથી અમને એક પેન ભેટ રૂપે આપવામાં આવી. જમવાનો બેલ પડતા બાળકોને લઇ હાથ-પગ ધોવડાવી લોબીમાં જમવા બેસાડ્યા. બાળકો જમી રહ્યા પછી અમે છુટા પડ્યા. અમને ઘરે જવાનું મન થતું ન હતું પણ સમય પૂર્ણ થયે ઘરે જવાનું તો હતું જ. બપોરપાળી માટે નવા બાળશિક્ષકો આવી ગયા હતા. જેમની સાથે થોડો સમય વિતાવ્યો. અમારા શિક્ષક શ્રી નીલેશભાઈએ અમારા સૌની યાદગીરી માટે સૌના ફોટા પાડ્યા. દરેકના વ્યક્તિગત ફોટા પાડ્યા તથા સમુહમાં પણ ફોટા પાડ્યા. અંતે અમે છુટા પડ્યા.
લિ.
વિશાલકુમાર આર. પઢિયાર
ધોરણ – ૭

 
બપોર પાળી:-
                       આજે અમારી શાળામાં શિક્ષકદિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમે સૌ બાળશિક્ષકો શાળામાં ૧૦:૦૦ કલાકે હાજર થયા. મને શાળાના આચાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી. શાળામાં આવીને અમે કરવાના કામની વહેચણી અને ચર્ચા કરી ત્યારબાદ અમે પ્રાર્થનાસભામાં ભેગા થયા. પ્રાર્થનામાં અમે જેની યાદમાં “શિક્ષકદિન”ની ઉજવણી કરવામાં આવે છે તેવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપી. સમગ્ર પ્રાર્થના સંમેલન બાદ સૌ પોતપોતાના વર્ગમાં કામગીરી કરવા પહોચી ગયા. સૌ બાળકો પોતપોતાની કામગીરી ખંતથી કરતા હતા. તેઓ વિદ્યાર્થીઓને કવિતા, ગીત, પાઠનું વાંચન અને ગાન કરાવતા હતા. સૌ બાળશિક્ષકોની કામગીરીનું નિરીક્ષણ કરવા મે દરેક વર્ગમાં વિઝીટ કરી મને બધા બાળશિક્ષકો વ્યવસ્થિત કામ કરતા નજરે પડ્યા. બાળશિક્ષકોએ સમયસર રીશેષ પડાવી અને લાઈનમાં વિદ્યાર્થીઓને લાઈનમાં બેસાડી જમાડ્યા અને દરેક વિદ્યાર્થીનું ધ્યાન રાખ્યું. તમામ બાળશિક્ષકોને હળવો નાસ્તો આપવામાં આવ્યો ત્યારબાદ રીશેષ પૂરી કરી ફરીથી તેમનું કાર્ય કરવા લાગી ગયા. ૪:૦૦ કલાકે બાળશિક્ષકોએ વિદ્યાર્થીઓને રમત રમાડી, ત્યારબાદ સૌને સાચવીને વર્ગખંડમાં લઇ ગયા અને ભણાવવાનું શરુ કર્યું. ૪:૩૦ કલાકે સૌ શાળાના પટાંગણમાં ભેગા થયા. મે શિક્ષકોને તેમના દિવસ દરમ્યાન કરેલી કામગીરીના પ્રતિભાવો બધા સમક્ષ મુકવા કહ્યું. તમામ બાળશિક્ષકોએ ૧ થી ૫ ધોરણમાં કરેલા કાર્યના પ્રતિભાવ આપ્યા. શાળાના મુખ્યશિક્ષકે તેમજ અન્ય શિક્ષકોએ આ બાળકોને પ્રોત્સાહન આપવા બે ચાર વાતો કરી તથા ભેટ સ્વરૂપે એક પેન દરેક બાળકને આપી તેમજ તેમને તાળીઓથી વધાવી લીધા ત્યારબાદ સૌ ખુશ થઇ રાષ્ટ્રગીતનું ગાન કરી છૂટા પડ્યા.
લિ.
ભાવનાબેન જે. પરમાર
ધોરણ – ૭
 


ગુરુવાર, 23 ઑગસ્ટ, 2012

“વિવિધ અંકો બનાવવા”


                   આજે બાળકોને વિવિધ અંકો બનાવવા માટે સૂચના આપવામાં આવી જેમાં ૬ થી ૮ ના કુલ ૬ ગૃપ પાડવામાં આવ્યા. જેની વિગત નીચે મુજબ છે.
ક્રમ
ધોરણ
ગૃપનું નામ
સંખ્યા
પ્રવૃત્તિ
સરદાર પટેલ ગૃપ
પર્યાવરણની જાળવણીનો અંક
રાણી લક્ષ્મીબાઈ ગૃપ
રાષ્ટ્રીય ચિન્હોનો અંક
સ્વામી વિવેકાનંદ ગૃપ
ભારતના મહાન સંતોનો અંક
કલ્પના ચાવલા ગૃપ
વૈજ્ઞાનિકોનો અંક
મહાત્મા ગાંધી ગૃપ
૧૦
વિવિધ દેશોનો ધ્વજસંગ્રહ અંક
ઇન્દીરા ગાંધી ગૃપ
આપણા રાષ્ટ્રપતિઓનો અંક

                    ગૃપ પ્રમાણે બાળકોને અલગ અલગ જૂથમાં બેસાડવામાં આવ્યા. દરેકને જૂથ પ્રમાણે જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી. દરેક ગૃપના જે તે વર્ગશિક્ષકને તેમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા. માર્ગદર્શકશ્રીઓએ બાળકોને શું કરવાનું છે તે સમજાવી દીધું. બસ પછી તો કહેવાનું જ શું..!! બધા બાળકો પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ ગયા.
બાળકો ખુબ જ સરસ રીતે પોતાને સોંપેલું કામ કરતા હતા. જ્યાં કોઈ મુશ્કેલી પડે ત્યાં એમના માર્ગદર્શક શ્રી તેમણે માર્ગદર્શન પૂરું પાડતા.
                      સૌપ્રથમ દરેક વિદ્યાર્થીએ આપેલ ચિત્રોના કટિંગ કર્યા. કટિંગને ફેવિકોલની મદદથી A4 સાઈજનાં કાગળ પર ચોટાડી દીધા. હવે દરેક બાળક પોતાના કટિંગ વિશેની માહિતી એકત્ર કરવા માટે છુટા પડ્યા. વિવિધ પાઠ્યક્રમનાં પુસ્તકો અને અન્ય માર્ગદર્શક પુસ્તકો દ્વારા તેમણે માહિતી એકઠી કરી. સુંદર અક્ષરોએ સ્કેચપેનની કે પેનની મદદથી તેમણે તે માહિતી મુદ્દાસર લખી દીધી. સૌ કાગળને પંચની મદદથી કાના પાડી ફાઈલ કરી દેવામાં આવ્યા. ફાઈલની ઉપર સુંદર અક્ષરે મથાળું મારવામાં આવ્યું.
પ્રવૃત્તિમય બાળકોની કેટલીક બોલતી તસ્વીરો









                દરેકે પોતાનો અંક શ્રી નિલેશભાઈ પાસે જમા કરાવ્યો. નિલેશભાઈએ બધા અંકો ભેગા કરી બધા બાળકોને જોવા માટે ખુલ્લા મુક્યા. બાળકોએ પ્રદર્શન નિહાળ્યું તથા અંક બનાવનાર વિદ્યાર્થીઓએ તેમણે અંક વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડી.
                  અંતમાં બધા અંકો ભેગા કરી લેવામાં આવ્યા અને રાષ્ટ્રગીત ગાઈ સૌ છુટા પડ્યા.

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2012

અનાજના નમુનાનો અંક


                        17/8/2012 ના રોજ અનાજના નમૂનાનો અંક બનાવવાની પ્રવૃત્તિ આયોજન મુજબ કરવાની હતી. સમયસર પ્રાર્થનાસંમેલન બાદ ધો – ૭ના દરેક વિધાર્થીને ગોળ રાઉન્ડમાં બેસાડવામાં આવ્યા. આગામી સુચના મુજબ દરેક વિદ્યાથીઓ એક – એક અનાજનો નમુનો કાગળ કે નાની થેલીમાં લઇ આવ્યા. તેને પારદર્શક કોથળીમાં સરસ રીતે પેક કરવામાં આવી. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને એક એક સફેદ કાગળ આપવામાં આવ્યા. તેના પર વિદ્યાર્થીઓ પોતે લાવેલ નમુનાને એક કાગળમાં એક એમ વારાફરતી લગાડવામાં માંડયા.
               ત્યારબાદ દરેક પાના પર જે તે નમૂનાનું નામો પણ લખવામાં આવ્યા. પ્રવૃત્તિ દરમ્યાન માર્ગદર્શક શિક્ષકે બાળકોને અનાજની વિગતે સમજ પૂરી પાડી.  કામ પૂરું જણાતા દરેક વિધાર્થી પાસેથી કાગળો એકત્રિત કરવામાં આવ્યા. ત્યારબાદ માર્ગદર્શક શિક્ષક સાહેબે તેને પંચીગ કરી તેની ફાઈલ બનાવી. ત્યારબાદ વિદ્યાર્થીઓને ફાઈલનું નિદર્શન કરાવવામાં આવ્યું.

                અંતે ધો-૭ ના સૌ વિધાર્થીઓને સહકાર બદલ આભાર માની આ પ્રવૃત્તિ પૂર્ણ જાહેર કરવામાં આવી.

ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

“66 માં સ્વાતંત્રદિનની ઉજવણી”


{નોંધ:- આ અહેવાલ ધોરણ - ૮ નાં બાળકના અહેવાલ લેખન માંથી લેવામાં આવેલ છે.} 
             ૧૫ મી ઓગષ્ટએ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ૬૬ માં પ્રજાસત્તાકદિન નિમિત્તે પ્રાથમિક શાળામાં નાનો કાયક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે આપના દેશને અંગ્રેજોના હાથમાંથી મુક્તિ મળી હતી એટલે કે આપના દેશને આઝાદી મળી હતી. ૧૫ મી ઓગષ્ટે આખા ભારતદેશમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અમે વહેલા નિશાળે આવ્યા. ત્યારબાદ અમે બધાએ આસોપાલવના પાનના તોરણ બનાવ્યા. સમગ્ર શાળામાં તથા વર્ગખંડમાં તોરણ બાંધીને શાળાને સુશોભિત કરી અને વર્ગખંડની બહાર સુંદર રંગોળી પૂરી. થોડાક વિદ્યાર્થીઓએ મેદાનમાં બાળકોને બેસવા માટે ચૂનાની મદદથી લાઈનો દોરી. શ્રી કાન્તીભાઈ સાહેબ તથા કેટલાક બાળકોએ ધ્વજ દંડ તૈયાર કરી દીધો. થોડા સમયબાદ દરેક વિદ્યાર્થીઓ મેદાનમાં લાઈનસર બેસી ગયા.
           કોઈપણ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે તેથી પ્રથમ સમૂહપ્રાર્થના કરાવવામાં આવી. ત્યારબાદ ગામમાંથી પધારેલ દરેક મહેમાનોનું શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગતગીત ગાઈને સ્વાગત કર્યું.
               ધોરણ ૭ ના વિદ્યાર્થી કિશનભાઈએ તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓને ધ્વજ વંદન કરવા સજ્જ કર્યા. ધ્વજવંદનની વિધિ પહેલીવાર વિદ્યાર્થી દ્વારા કરાવવામાં આવી હતી. ગામનાં ડેપ્યુટી સરપંચ અને શાળાના એસ.એમ.સી.નાં અધ્યક્ષ શ્રીમતી સરોજબેન રમેશભાઈ પઢિયારના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન બાદ ધ્વજવંદન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
          કિશનભાઈએ સુંદર રીતે ધ્વજવંદન કરાવ્યા બાદ દરેક વિધાર્થીઓને અને મહેમાનોને પોતાની જગ્યાએ સ્થાન લેવા જણાવ્યું. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો. શાળાના મદદનીશ શિક્ષક શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલે રાષ્ટ્રીય તહેવાર વિશે થોડીવાર વક્તવ્ય આપ્યું હતું. ગામનાં સભ્ય નટુભાઈ દેસાઈભાઈ પઢિયારે એક સુંદર ભજન સંભળાવ્યું હતું ત્યારબાદ શાળાનું વાતાવરણ થોડાસમય માટે ભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓએ તેમને તાલીઓથી વધાવ્યા હતા.
            ગામનાં ભક્ત મહારાજ શ્રી પુજારામે ધાર્મિક વાર્તાઓ કહી હતી અને જીવનને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ધોરણ -૮ નાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એક દેશભક્તિ ગીત ગાયું હતું. દરેક ધોરણમાંથી પસંદગી પામેલા બાળકોએ મહાન પુરુષો વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ધોરણ -૬ નાં વિદ્યાર્થીઓએ “એક જગત એક લોક” કવિતા સમુહમાં ગાઈ હતી.
       છેલ્લે ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિધાર્થીઓને અને વિધાર્થીનીઓને શ્રીમતી સરોજબેન રમેશભાઈ પઢિયારનાં હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. દર વર્ષે દૂધ સહકારી મંડળી સરસ્વતીનગર તરફથી પ્રસાદી વહેચવામાં આવે છે. અંતમાં અમારી શાળાના આચાર્ય શ્રી એ આજનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો. અંતમાં દરેક વિદ્યાર્થીને તથા ગામમાંથી પધારેલા દરેક મહેમાનોને પ્રસાદ વહેચવામાં આવ્યો.
            આજે સૌના મુખ પર આનંદ વર્તાતો હતો સૌનામાં આજે દેશ માટે કશુક કરવાની ભાવના દેખાતી હતી. છેલ્લે ભારત માતા કી જય બોલીને છુટા પડ્યા હતા.



                                                          લેખન કર્તા:-
                                                          જશપાલ પી. ગોહેલ
                                                          ધોરણ-૮